ચાઈલ્ડ બર્થ એજ્યુકેશન દ્વારા નોર્મલ ડિલિવરી કરાવે છે ચાઈલ્ડ બર્થ એજ્યુકેટર, રીટા સિંઘા
દિવ્યશ્રી ડેસ્ક: અમદાવાદનાં રીટા સિંઘાએ બીડું ઝડપ્યું છે કે દેશમાં સિઝેરિયનનું જે 80% જેટલું ચિંતાજનક પ્રમાણ છે તે ઘટાડવા પ્રયત્ન કરશે. આ સપનું સાકાર કરવા તેમણે વર્ષ 2011માં અમદાવાદમાં રીટા પ્રેગ્નન્સી સ્ટુડિયોની સ્થાપના કરી હતી. અહીં ગર્ભવતી મહિલાઓને ચાઈલ્ડ બર્થ એજ્યુકેશન પૂરું પાડી નોર્મલ ડિલીવરી થાય તેવો પ્રયાસ કરાય છે. જે દેશમાં 80% સિઝેરિયન અને 20% જ નોર્મલ ડિલીવરી થતી હોય ત્યાં આ કામ કરવું કપરું હતું. સંઘર્ષ થકી સફળતા મળી છે, ત્યારે હાલ સુરત, ગાંધીનગર અને ચંદીગઢમાં પણ સ્ટુડિયો કાર્યરત છે.
ઓસ્ટ્રેલિયામાં 2 દીકરીઓની માતા બન્યાં ત્યારે ચાઈલ્ડ બર્થ એજ્યુકેશન મળ્યું હતું
હું જયારે ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી તે દરમિયાન બે દીકરીઓની મા બની હતી. મારી પ્રસૂતિ વખતે હોસ્પિટલ તરફથી મને એક નવો જ અનુભવ થયો હતો. આ અનુભવ એ હતો કે હોસ્પિટલ તરફથી મને ખુદની અને બાળકની કાળજી કઈ રીતે લેવી તે બાબતે પ્રશિક્ષિત કરવામાં આવી હતી. એક સ્ત્રી તરીકે મને થયેલા આ ફાયદા પછી મેં વધારે જાણવાનો પ્રયત્ન કર્યો તો ખ્યાલ આવે છે કે ઓસ્ટ્રેલિયામાં નોર્મલ બર્થનું પ્રમાણ 98% હતું. જેની સામે ભારતની સ્થિતિ ઘણી ચિંતાજનક હતી, કેમકે અહીં નોર્મલ બર્થનું પ્રમાણ માત્ર 20% જ છે.
કેનેડા જઈ ચાઈલ્ડ બર્થ એજ્યુકેશન મેળવ્યું
હું વર્ષ 2008માં ઓસ્ટ્રેલિયાથી કાયમ માટે ભારત પાછી આવી ગઈ. મેં જોયું કે અહીં નૉર્મલ ડિલિવરી કરતાં સિઝેરિયનનું પ્રમાણ ઘણું ચિંતાજનક હતું. આથી મેં નક્કી કર્યું કે હું નોર્મલ બર્થનું પ્રમાણ વધારી શકું તેવા કોઈ પ્રયત્ન કરીશ. હું મારા આ સંકલ્પને સાકાર કરી શકું તે માટે ચાઈલ્ડ બર્થ માટે કેનેડા જઈ એજ્યુકેશન લીધું હતું.
અમદાવાદમાં ‘રીટા પ્રેગ્નન્સી’ સ્ટુડિયોની સ્થાપના કરી
કેનેડાથી પાછા ફર્યા બાદ અમદાવાદની કેટલીક હોસ્પિટલો સાથે કામ કરવાનું થયું હતું. જોકે આ કામ દરમ્યાન મેં અનુભવ્યું હતું કે નૉર્મલ બર્થ માટે અહીં કોઈ જાગૃતતા નથી. મેં હોસ્પિટલો સાથે મળીને જે કામ કર્યું તેમાં ધારી સફળતા મળી નહોતી. આથી મેં જાતે અને બ્રાન્ડ નેમ સાથે આ ક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કર્યું. પરિણામે વર્ષ 2010માં અમદાવાદના પ્રહલાદનગરમાં રીટા પ્રેગ્નન્સી સ્ટુડિયોની શરૂઆત કરી.
સિઝેરિયનના વધતા પ્રમાણ અને વિરોધ વચ્ચે કામ કર્યું
મેં સ્ટુડિયો તો શરૂ કરી દીધો, પણ લોકોમાં જાગૃતતાનો અભાવ હોવાથી શરૂઆતમાં ઘણી મહેનત કરવી પડી હતી. આપણે ત્યાં પ્રસૂતિ વખતે દર્દ સહન ન કરવું પડે તે માટે સિઝેરિયનનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું હતું. આ સંજોગો વચ્ચે અમે ક્લાસ શરૂ કર્યા હતા, જેમાં પ્રસૂતાએ ચાર મહિનાથી લઈ ખોળો ભરાવે ત્યાં સુધી આવીને ચાઈલ્ડ બર્થ એજ્યુકેશન લેવાનું હતું. જોકે ક્લાસ સુધી પ્રસૂતાને લઈ આવવાનું કામ સરળ નહોતું, કેમકે તેના પરિવારના વડીલોનો વિરોધ રહેતો હતો.
નોર્મલ ડિલિવરીથી બાળક તંદુરસ્ત જન્મે છે
જોકે હું હિંમત રાખી મારા લક્ષ્ય તરફ આગળ વધતી રહી. પરિણામે આજે અમદાવાદ બહાર સુરત, ગાંધીનગર અને ચંદીગઢમાં પણ અમારા સ્ટુડિયો શરૂ કરી શકી છું. અમારા સ્ટુડિયોમાં ચાઈલ્ડ બર્થ એજ્યુકેટર્સ દ્વારા માતા અને બાળકની સારી રીતે કાળજી લેવામાં આવે છે. કસરત અને યોગ થકી ગર્ભવતી મહિલાઓને એસિડિટીથી લઈ માનસિક તણાવ સુધીની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે. અમારા સ્ટુડિયોમાં આવતી બહેનોનાં લોહીનું પરિભ્રમણ યોગ્ય થાય છે અને તેમને ઓક્સિજન પણ પૂરતો મળે છે, આથી બાળક પણ તંદુરસ્ત જન્મે છે.
ગમતાં કામને વ્યવસાયમાં તબદિલ કરો
મારી આ કહાની વાંચનાર બહેનોને હું કહીશ કે તમને જે કામ ગમતું હોય તેને જ વ્યવાસાય બનાવી લો. આમ કરવાથી કમાણી તો થશે જ પણ સાથોસાથ ગમતું કામ કરવાનો સંતોષ પણ મળશે. – રીટા સિંઘા
તમે આ લેખ divyabhaskar.co.in મહિલા ગૌરવ વિભાગ પર પણ વાંચી શકો છો. વાંચવા માટે અહીં ક્લિક કરો: https://goo.gl/5FDCT4